Today Gujarati News (Desk)
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસના ઘણા કેસ વધી ગયા છે. એવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ચિંતા વ્યક્ત કરતાં ડૉક્ટરોને મહત્ત્વની સલાહ આપતાં કહ્યું કે દર્દીઓને એન્ટીબાયોટિક લખતાં બચે.
ખરેખર હવામાન બદલાવાની સાથે તાવ, શરદી, ઉધરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કહ્યું હતું કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)ના જણાવ્યા અનુસાર આ પ્રકારના મોટાભાગના કેસ H3N2 વાયરસના હોઈ શકે છે.
IMAની નોટિસમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણ આ વાયરસ માટે સૌથી મોટું કારણ હોઈ શકે છે. એવામાં તાવ, શરદી કે પછી ઉધરસ થાય તો એન્ટીબાયોટિક દવાઓને પ્રિસ્ક્રાઈબ ન કરવાની સલાહ આપવામાં આવી છે. IMA તરફથી કહેવાયું છે કે તાવ સામાન્ય રીતે 3 દિવસમાં જતો રહે છે પણ ઉધરસ 3 અઠવાડિયા સુધી જળવાઈ રહે છે. આવું મોટાભાગે 50 વર્ષથી વધુ અને 15 વર્ષથી નીચેના લોકોમાં થઈ રહ્યું છે.
વધતા કેસ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઈન્ફ્લૂએન્ઝા એના સબ ટાઈપ H3N2ને ભારતમાં વધતી શ્વાસની બીમારીનું મુખ્ય કારણ ગણાવાયું છે. જો તમને ભારે તાવ હોય અને તે મટતો ન હોય અને સાથે જ શરીરમાં દુઃખાવાની ફરિયાદ તેમજ ઉધરસ આવતી હોય તો ડૉક્ટરને મળો અને તમારા જરૂરી ટેસ્ટ કરાવો.