Today Gujarati News (Desk)
કડોદરા ચાર રસ્તા પર પસાર થતી ટ્રકની તપાસ કરતા ખાતેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયાની ૫૦ કિલો વજનની કુલ ૨૫૦ નંગની બેગો સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડીને ૭૪ હજારની સબસિડીયુકત યુરિયા બેગ તથા અંદાજે રૂા.૧૦ લાખની કિંમતની ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
રાજય વેરા નિરીક્ષકની ટીમે સુરતના કડોદરા ચાર રસ્તા ખાતે વોચમાં હતી તે વખતે અમદાવાદથી મુંબઈ જતી ટ્રકને ચેક કરતા યુરિયા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. જેની જાણ નાયબ ખેતી નિયામકને કરતા પલસાણા તાલુકાના ખેતી અધિકારીએ ટીમ સાથે સ્થળ તપાસ કરી હતી. તપાસમાં સફેદ બોરીઓમાં શંકાસ્પદ યુરિયા હોવાનું માલુમ પડતા આ શંકાસ્પદ જથ્થાને બારડોલી ખાતેની પ્રયોગશાળામાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં યુરિયા હોવાનું માલુમ પડયું હતું.
વધુ તપાસ કરતા આ જથ્થો આણંદ જિલ્લાના બેડવા ખાતેના ગોડાઉનમાંથી આવ્યો હોવાનું અને આ ગોડાઉનનું રાજુભાઈ વહોરા તથા સાહિલ ઉર્ફે મોન્ટ ફારૂકભાઈ વ્હોરા નામના વ્યકિતઓ સંપુર્ણ સંચાલન કરતા હોવાની વિગતો જાણવા મળી છે. તેમના દ્વારા જુદી જુદી સહકારી મંડળીઓના સંચાલકો પાસેથી ખાતરનો જથ્થો લાવીને સફેદ થેલીઓમાં ભરી જે તે જગ્યાએ મોકલવામાં આવતો હતો. પલસાણાના ખેતી અધિકારીએ કડોદરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની વિગતવાર ફરિયાદ નોંધાવી છે.