Today Gujarati News (Desk)
અમદાવાદઃ રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવામાં ગુજરાતના હવામાનને લઇને વધુ એક આગાહી (Gujarat Weather Forecast) સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા છે.
આજે રાજ્યના અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને કચ્છ તથા દીવમાં વરસાદી માહોલ રહી શકે છે. વીજળીના કડાકા સાથે અથવા થંડરસાવર થવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. 24 કલાક બાદ લગભગ કમોસમી વરસાદથી રાજ્યને મુક્તિ મળી જશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તથા આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યા બાદ તેનો અંત આવી શકે છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ બુધવારે રાજ્યના હવામાન અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આજે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો અંગે સંભાવના વ્યક્ત કરી છે.