Today Gujarati News (Desk)
આગામી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ લોકસભા ચૂંટણીની વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે અને આ બેઠકો પર કેવી રીતે જીત મેળવી તેના પર કામ શરૂ કરી દીધું છે. સૂત્રો અનુસાર આગામી ચૂંટણીમાં ભાજપ 160 લોકસભા બેઠકો પર ખાસ ફોકસ કરી રહી છે, કારણ કે આ બેઠકો પર 2019માં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. વ્યૂહરચના હેઠળ ભાજપ આ 160 બેઠકો પર વડાપ્રધાન મોદીની રેલીનું આયોજન કરશે. મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન આ બેઠકો પર 45થી વધુ રેલીઓ યોજી શકે છે.
જે.પી.નડ્ડા બનાવી રહ્યા છે વ્યૂહરચના
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ જે 160 બેઠકો પર હારી હતી, તે બેઠકો પર જીતની વ્યૂહરચના ઘડવા ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા કમરકસી રહ્યા છે અને આ બેઠકો માટે ફીડબેક મેળવી રહ્યા છે. વડાપ્રધાનની રેલઓનું આયોજન કરવાની જવાબદારી પક્ષના 3 રાષ્ટ્રીય મહાસચિવો સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરૂણ ચુગને સોંપવામાં આવી છે. આ 160 બેઠકોને ભાજપે વિવિધ ક્લસ્ટરોંમાં વહેંચી છે અને તમામ ક્લસ્ટરોંમાં ચાર બેઠકો મુકાઈ છે.
જેપી નડ્ડા અને અમિત શાહ પણ કરશે રેલી
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનની રેલીઓ શિલાન્યાસ કે ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન યોજાશે. ભાજપ આ બેઠકો જીતવા પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેઓ બે ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે. દરેક ગ્રુપમાં 80-80 બેઠકો રખાઈ છે. એક ગ્રૂપની 80 બેઠકો પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને બાકીની 80 બેઠકો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભાઓ અને રેલીઓનું આયોજન કરાશે. ત્યારબાદ વડાપ્રધાનની રેલીઓ દ્વારા ભાજપની તરફેણમાં માહોલ બનાવાશે.
ઉલ્લેખનિય છે કે, હજુ પણ બીજેપીની જીતનું મોટું કારણ PM મોદીની લોકપ્રિયતા છે. વડાપ્રધાનની આ લોકપ્રિયતાનો લાભ લેવા માટે ભાજપે આગામી ચૂંટણી પહેલા દેશભરમાં અનેક રેલીઓનું આયોજન કરવાની યોજના બનાવી છે. ખાસ કરીને બિહાર અને તેલંગાણા પર ભાજપનું વિશેષ ધ્યાન છે.