Today Gujarati News (Desk)
ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંનાં સંભલ જનપદમાં એક શખસે મંદિરમાં તોડફોડ મચાવી દીધી હતી. આ શખસે મંદિરમાં મૂર્તિઓ તોડી નાખી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ મંદિરમાં ભગવાનની મૂર્તિ ખંડીત જોતા જ ગુસ્સો ભરાયા અને આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આરોપીએ કહ્યું કે, તેનો ભગવાન સાથે ઝઘડો થઈ ગયો હતો, તેથી તેણે આવું કર્યું…
મંદિરમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બનિયાઠેર પોલીસ સ્ટેશન વિસ્તારના અશોકનગર ગામમાં બજરંગબલીની પ્રતિમાને ખંડીત કરવાની ઘટના બની હતી. અહીંના રહેવાસીઓએ ખંડીત પ્રતિમાને જોતા જ હોબાળો મચી ગયો હતો. આ મૂર્તિઓ કોને તોડી, કેમ તોડી… તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને થોડાંક સમયમાં એક યુવક દ્વારા આ કારસ્તાન કરાયું હોવાનું સામે આવ્યું હતું. યુવકે મંદિરમાં કરેલી તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મંદિરમાં તોડફોડ મચાવી હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ કરતા ગામનાં જ યુવક વિક્રમ ઠાકુર દ્વારા મંદિરમાં તોડફોડ કરાઈ હોવાની વાત સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે રોષે ભરાયેલા સ્થાનિકોને પણ સમજાવીને શાંત કર્યા બાદ મામલો થાડે પડ્યો હતો.
‘મેં ઘણી પૂજા-અર્ચના કરી છતાં મને દુઃખ મળ્યું’
પોલીસે વિક્રમ ઠાકુરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, મેં ઘણી પૂજા-અર્ચના કરી છતાં મને દુઃખ મળી રહ્યું છે. મારી પત્ની-બાળકો પણ મને છોડીને જતા રહ્યા છે. જ્યાંરથી તેઓ મને છોડીને જતા રહ્યા છે, ત્યારથી હું પાગલ થઈ ગયો છું. વિક્રમે વધુમાં કહ્યું કે, હું ભગવાન સાથે રાત્રે વાત કરી રહ્યો હતો, પૂજા કરી રહ્યો હતો, તે દરમિયાન મને ગુસ્સો આવી ગયો. ભગવાન સાથે મારો ઝઘડો થઈ ગયો અને મેં નશાની હાલતમાં પ્રતિમાને ખંડીત કરી દીધી. હું મારી ભુલ સ્વિકારું છું અને હું નવી પ્રતિમા મંગાવી દઈશ તેમજ હવે ક્યાંરે દારુ નહીં પીવું. દરમિયાન એસપી ચક્રેશ મિશ્રાએ કહ્યું કે, મંદિરમાં તોડફોડ મચાવનાર શખ્સ સામે IPC કલમ 295 અને 427 હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.