Today Gujarati News (Desk)
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું કે, ગત વર્ષે બ્રિટને તેના કુલ વિઝામાંથી 25 ટકા વિઝા ભારતમાંથી જારી કર્યા હતા અને નવી દિલ્હીમાં પણ સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા નોંધાયા હતા. એલિસે ટ્વિટર પર જણાવ્યું કે, વર્ષ 2021માં સ્ટુડન્ટ વિઝામાં 73 ટકાનો વધારો થયો હતો અને ભારતે પણ વર્ક વિઝામાં સૌથી વધુ 130 ટકાનો વધારો નોંધાવ્યો હતો. 2022માં બ્રિટને 28,36,490 વિઝા જારી કર્યા હતા, જેમાંથી અન્ય દેશો કરતા સૌથી વધુ 25 ટકા મુસાફરો વિઝા હેઠળ ભારત ગયા…
બ્રિટન ભારત માટે વર્ક તેમજ સ્ટુડન્ટ વિઝા વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, કારણ કે બ્રિટન સરકારે જાહેરાત કરી છે કે, તેણે બ્રિટન-ભારત યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ ભારતીયો માટે 2400 વિઝા અરજીઓ આમંત્રિત કર્યા છે. દરમિયાન બ્રિટનથી ભારત આવતા લોકો તેમજ ભારતમાંથી લંડન જતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારત અને બ્રિટન વચ્ચેની વાતચીત બાદ ઘણા સમયથી અટવાયેલ વિઝા બનાવવાનું કામ આજથી શરૂ કરાયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજથી 28 ફેબ્રુઆરીથી બંને દેશોના યુવાનો આવવા-જવા માટે વિઝાની અરજી કરી શકશે. લંડનમાં ભારતના હાઈ કમિશને મંગળવારે નવી યંગ પ્રોફેશનલ્સ સ્કીમ (YPS) હેઠળ અરજી કરતા બ્રિટનના યુવાનો માટે વિઝા અરજી પ્રક્રિયા શરૂ કરી છે. તેવી જ રીતે નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને ભારતીય સ્નાતકો માટે વિઝાની પ્રક્રિયા શરૂ કરી છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ, 18 થી 30 વર્ષની વયના ભારતીય અને બ્રિટિશ નાગરિકો બે વર્ષ માટે એકબીજાના દેશમાં રહેવા અને કામ કરવા માટે અરજી કરી શકે છે.
યોજના હેઠળ વિઝા માટે અરજી કરનારા અરજદારો માટે અમુક માપદંડો છે, જેમાં સ્નાતકની ડિગ્રી હોવી અને તેમના રહેઠાણ માટે પૂરતું ભંડોળ સામેલ છે. એટલે કે ફક્ત તે જ વિદ્યાર્થીઓ અથવા યુવાનો અરજી માટે પાત્ર હશે, જેમની પાસે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી હોય અને તેમના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા હોય… યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ટ્વિટર પર આ યોજનાની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લગભગ એક મહિના પહેલા જાહેર કરાયેલ યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ ભારત અને બ્રિટનના યુવાનો એક સમયે બે વર્ષ માટે એકબીજાના દેશમાં જઈ શકે છે.