Today Gujarati News (Desk)
કોંગ્રેસ નેતા પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા હતા. પવન ખેડા રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં સામેલ થવા જઈ રહ્યા હતા. ત્યારે તેમને ફ્લાઈટમાંથી ઉતારાયા હતા. પવન ખેડા સાથે કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ પણ હતા જેઓ રાયપુર જઈ રહ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એરપોર્ટ પર જ ધરણાં શરૂ કરી દીધા હતા. માહિતી અનુસાર તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ તેમની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. આસામ પોલીસના કહેવા પર આ કાર્યવાહી કરાઈ હોવાના અહેવાલ છે. આસામ પોલીસે કહ્યું કે દીમાઓ હિંસા મામલે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આસામથી પોલીસની એક ટીમ તેમની કસ્ટડી લેવા માટે પણ રવાના થઈ ચૂૂકી છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો પણ ટ્વિટ કરાયો હતો. કોંગ્રેસે કહ્યું કે આજે ઈન્ડિગોની ફ્લાઈટમાં વરિષ્ઠ નેતા દિલ્હીથી રાયપુર જઇ રહ્યા હતા. બધા ફ્લાઈટમાં બેસી ગયા હતા અને એ જ સમયે અમારા નેતા પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતરી જવા કહેવાયું. આ તો તાનાશાહી છે. પવન ખેડા ઈન્ડિગોની ફ્લાઈટમાં રાયપુર જઇ રહ્યા હતા. આ સમયે રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ ઉપરાંત અન્ય નેતાઓ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન તેમની ધરપકડનો પણ પ્રયાસ કરાયો હતો.