Today Gujarati News (Desk)
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશી ધરતી પર પીએમ મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા. તેની સાથે જ તેમણે ભારતને બદનામ કરવાના ભાજપના આક્ષેપો સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ખુદ મોદી જ કહે છે કે દેશમાં છેલ્લા 60-70 વર્ષોમાં કંઈ થયું જ નથી. તેમણે આ ટિપ્પણી કરીને દરેક ભારતીય અને મારા દાદા-દાદીનું અપમાન કર્યું છે. ભારતે એક દાયકો ગુમાવી દીધો છે.
રાહુલ ગાંધીએ લંડનમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના કાર્યક્રમમાં ભાજપના એ આરોપો સામે વળતા પ્રહાર કર્યા હતા જેમાં તેમના પર ભારતને બદનામ કરવાના આક્ષેપો કરાયા હતા. આટલું જ નહીં આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રાની તુલના ત્રણ દાયકા જૂની ભાજપની રથયાત્રા સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભાજપે રથયાત્રા કાઢી હતી. એક અંતર છે. એ યાત્રાનું કેન્દ્ર એક રથ હતું જે રાજાનો પ્રતીક છે. અમારું રથ લોકોને એકજુટ કરી રહ્યું હતું અને ગળે લગાવી રહ્યું હતું.
રાહુલે એમ પણ કહ્યું કે આરએસએસ અને ભાજપને હરાવવાની જરૂરિયાત લોકોના મનમાં ઊંડે સુધી ફેલાઈ ગઈ છે. ભારત જોડો દરમિયાન અનેક દૃષ્ટિકોણ હતા. આ યાત્રામાં ખૂબ અંડર કરંટ હતું. અમે સંસ્થાગત માળખાથી લડી રહ્યા છીએ. આરએસએસ અને ભાજપે એ સંસ્થાનો પર કબજો કરી લીધો છે જે તટસ્થ રહેવા જોઈએ.