Today Gujarati News (Desk)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની અંતિમ મેચ ઈંદોરમાં રમાશે. 24 જાન્યુઆરીના રોજ રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયા નેટ્સ પર ખૂબ પ્રેક્ટિસ પણ કરતી નજર આવી રહી છે.
ન્યુઝીલેન્ડ સામે 3 વન ડે મેચોની સિરીઝમાં સૂર્યકુમાર યાદવ પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. આ દરમિયાન મેચના એક દિવસ પહેલા એટલે કે, 23 જાન્યુઆરીના રોજ સવારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સહિત બોલર કુલદિપ યાદવ અને વોશિંગ્ટન સુંદર ઉજ્જેનના બાબા મહાકાલ મંદિરે પહોંચ્યા હતા.
ત્રણેયે બાબા મહાકાલનો જળ અભિષેક કર્યો
ભગવાન મહાકાલ મંદિર ગર્ભગૃહમાં ભસ્મ આરતી દર્શન બાદ ત્રણેયે મહાકાળનો જળ અભિષેક કર્યો. ત્યાં હાજર પંડિતોએ હર હર મહાદેવનો જય જયકાર પણ કર્યો. ત્રણેય ખેલાડીઓએ ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા માટે ધોતી સોલા પહેર્યા હતા.
મહાકાલના દર્શનની સાથે સાથે દરરોજ ભસ્મ આરતી થાય છે. આ આરતીની વિશેષતા એ છે કે ,મહાકાલને તાજા મૃતકોની ભસ્મથી શણગારવામાં આવે છે. સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર ત્રણેયે સવારે ભસ્મ આરતીમાં સામેલ થયા બાદ ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા.
ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી
ભસ્મ આરતી બાદ સૂર્ય કુમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મહાકાળના દર્શન કરીને ખૂબ જ સારુ લાગ્યું. અમે ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. તેની વાપસી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ન્યુઝીલેન્ડ સામે પહેલા જ સિરીઝ જીતી ચૂક્યા છે. હવે તેમની સામે ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છીએ.