Today Gujarati News (Desk)
2016માં ભારતે પાકિસ્તાનમાં ઘુસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ટ નિવૃત્ત લેફટનન્ટ જનરલ સતિષ દુઆએ આજે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટ પ્રિન્ટ ઈવેન્ટમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતુ.
આ પહેલા એક વાતચીતમાં તેમણ કહ્યુ હતુ કે, 18 સપ્ટેમ્બર, 2016ના રોજ ઉરી આર્મી કેમ્પ પર થયેલો આતંકવાદી હુમલો મારા જીવનનો સૌથી કાળો દિવસ હતો અને આ દિવસ હું ક્યારેય નહીં ભુલી શકુ. કારણકે આર્મીનો ઉરી બેઝ કેમ્પ મારી લીડરશીપ હેઠળ હતો અને આતંકવાદીઓની ગોળીઓથી મારા 18 જવાનો શહીદ થયા હતા. તે સમયે કાશ્મીર દોડી આવેલા સંરક્ષણ મંત્રી સ્વ.મનોહર પરિકર સમક્ષ મેં પ્રસ્તાવ મુક્યો હતો કે, ભારતે તેનો વળતો જવાબ આપવો જોઈએ. કારણકે આ આતંકી હુમલા બાદ મારો સહિત આખો દેશ ગુસ્સો, હતાશા, દુખ અને બદલો લેવાની લાગણીમાંથી પસાર થઈ રહ્યો હતો.મનોહર પરિકરે મને એક જ શબ્દમાં સર્જિકલ સ્ટ્રાઈકની મંજૂરી આપી દીધી હતી અને આ મરાઠી શબ્દ હતો…બરોબર…સરકાર સાથે કામ કરવાના અગાઉના અનુભવને જોતા લાગતુ હતુ કે, ગોળગોળ જવાબ મળશે પણ તેની જગ્યાએ સંરક્ષણ મંત્રીએ સીધી જ વળતો પ્રહાર કરવાની લીલી ઝંડી આપી તે મારા માટે પણ આશ્ચર્યની વાત હતી. એ પછી દસ દિવસના ઝીણવટભર્યા પ્લાનિંગ બાદ ભારતીય સ્પેશિયલ ફોર્સિસે પાકિસ્તાન કબ્જા હેઠળના આતંકીઓના અડ્ડાને તબાહ કરીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો.