Today Gujarati News (Desk)
ગુજરાતના મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢની મુલાકાતે પહોંચ્યા જ્યાં તેમણે કરોડોના વિકાસકાર્યોની જિલ્લાને ભેટ આપી છે. શાહે જુનાગઢમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કિસાન ભવનનું લોકાર્પણ કર્યું છે, જ્યારે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીના ભવન અને પ્રાકૃતિક ખેતી બજારનું પણ ભૂમિપૂજન કર્યું છે. મહત્વનું છે કે આ કાર્યક્રમની સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને એક મહત્વની સલાહ પણ આપી છે.અમિત શાહે પોતાના કાર્યક્રમની શરુઆતમાં જ મહત્વની વાત કરીને જણાવ્યું કે, ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ, આ ખેડૂતોના પાકની સારી કિંમત મળે તે માટે જુદી હરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. હું માનું છું કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તેમને પોતાની ઉપજનો ભાવ સારો મળશે. શાહે કહ્યું કે આ પ્રસંગે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માગું છું કે આપણી વર્ષોથી માગણી હતી તે પૂર્ણ થઈ છે. દેશ આઝાદ થયો ત્યારથી માગણી કરવામાં આવતી હતી અને તેને વડાપ્રધાન મોદીએ પૂર્ણ કરી અને નવો સહકાર વિભાગ બનાવ્યો છે, અને મારા નસીબમાં પહેલા સહકાર મંત્રી બનવાનું આવ્યું છે.